13 વર્ષથી નાની ઉંમર (અથવા તમારા દેશમાં લાગુ હોય તે ઉંમર)ના બાળકોના માતાપિતા માટે Family Link સ્પષ્ટતા
માતાપિતા, તમારું સ્વાગત છે!
અમે તમારા વિશ્વાસને પ્રાધાન્યતા આપીએ છીએ અને તમારા બાળકનું Google એકાઉન્ટ હોવું એ મોટો નિર્ણય છે. આ નિર્ણયને રિવ્યૂ કરવા માટે થોડો સમય ફાળવીને વધુ જાણો.
માતાપિતા માટેના સાધનો
તમારા બાળકનું Google એકાઉન્ટ તમારા પોતાના એકાઉન્ટ જેવું જ છે અને તે Googleની ઘણી બધી પ્રોડક્ટ તથા સેવાઓનો ઍક્સેસ આપે છે, જેમાં બાળકો માટે ન બની હોય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. તમારું બાળક તેમના એકાઉન્ટનો ઉપયોગ કરીને ઘણાં કાર્યો કરી શકે છે, જેમ કે:
- Google Assistant, Chrome અને Searchનો ઉપયોગ કરીને પ્રશ્નો પૂછવા, ઇન્ટરનેટનો ઍક્સેસ મેળવવો અને તેના પર શોધવું;
- Gmail, SMS, વીડિયો, વૉઇસ અને સંદેશાવ્યવહારની અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને બીજા લોકો સાથે સંદેશાવ્યવહાર કરવો;
- ઍપ, ગેમ, મ્યુઝિક, મૂવી અને ઘણું બધું ડાઉનલોડ કરવું, ખરીદવું અને તેનો આનંદ માણવો;
- ફોટા, વીડિયો, પ્રસ્તુતિઓ, દસ્તાવેજો અને અન્ય કન્ટેન્ટ બનાવવું, જોવું અને શેર કરવું;
- (તમારા બાળકના ડિવાઇસના આધારે) Google Fitમાં પ્રવૃત્તિના લેવલ અને હૃદયના ધબકારાના દર સહિત સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની માહિતીને ટ્રૅક કરવી; અને
- Googleની સેવાઓનો ઉપયોગ કરતી વખતે સાંદર્ભિક જાહેરાતો જોવી.
Family Link અને માતાપિતાનું નિરીક્ષણ
Googleની Family Link ઍપ તમારું બાળક ઑનલાઇન શોધખોળ કરતું જાય તે સમય માટે પાયાના નિયમો બનાવવા અને તેમના અનુભવને માર્ગદર્શન આપવામાં તમારી સહાય કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તમારું બાળક તમારા Google ફૅમિલી ગ્રૂપનું સભ્ય બનશે, જેનો ઉપયોગ તમે તમારા બાળક સાથે અને કુટુંબના અન્ય ચાર સભ્યો સાથે Googleની સેવાઓ શેર કરવા માટે કરી શકશો. તમારા બાળકના એકાઉન્ટનું નિરીક્ષણ કરવા માટે તમે થોડા સમય પછી બીજા માતાપિતા ઉમેરી શકશો. માતાપિતા આના જેવાં કાર્યો કરવા માટે Family Linkનો ઉપયોગ કરી શકે છે:
- તમારા બાળકના Android ડિવાઇસમાં સ્ક્રીન સમયની મર્યાદાઓ સેટ કરવી;
- તમારા બાળકના સાઇન ઇન કરેલા અને સક્રિય Android ડિવાઇસનું સ્થાન જોવું;
- તમારા બાળકના Google Play અને Stadia પરના ડાઉનલોડ તથા ખરીદીઓ મંજૂર કરવી અને પરિપક્વતા રેટિંગના આધારે કન્ટેન્ટની દૃશ્યતા મર્યાદિત કરવી;
- તમારા બાળકના Google એકાઉન્ટમાં સાચવી શકાય તેવી પ્રવૃત્તિના પ્રકારો અને તેમના અનુભવને તેમની રુચિ અનુસાર બનાવવા માટે તેનો ઉપયોગ થવાની રીત પસંદ કરવામાં તેમની સહાય કરવી;
- Google શોધ માટે સલામત શોધ જેવાં સેટિંગ મેનેજ કરવાં;
- Android અને ChromeOS પર તમારા બાળકની ઍપની પરવાનગીઓ, જેમ કે માઇક્રોફોન, કૅમેરા અને સંપર્ક ઍક્સેસને રિવ્યૂ કરવા; અને
- YouTube અને YouTube Kids સહિત, YouTubeના અનુભવો (જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં) માટે કન્ટેન્ટ, ઍક્સેસ અને અન્ય સેટિંગ બદલવાં.
Family Linkના માતાપિતા યોગ્ય નિયંત્રણો તમને તમારા બાળકના અનુભવનું નિરીક્ષણ કરવામાં અને તેને મેનેજ કરવામાં સહાય કરી શકે છે, જોકે તેની સાથે કેટલીક મર્યાદાઓ પણ છે જે તમારે યાદ રાખવી જરૂરી છે:
- Family Linkના ઘણાં માતાપિતા યોગ્ય નિયંત્રણો વેબ પર મેનેજ થઈ શકે છે, છતાં સ્ક્રીન સમયની મર્યાદાઓ જેવી સુવિધાઓને મેનેજ કરવા માટે, તમારી પાસે Android અથવા iOS પર Family Link ઍપ હોવી જરૂરી છે.
- સલામત શોધ, Chrome વેબસાઇટ માટે પ્રતિબંધો અને Play સ્ટોર ફિલ્ટર જેવાં સેટિંગ અનુચિત કન્ટેન્ટનો ઍક્સેસ મર્યાદિત કરવામાં સહાય કરી શકે છે, પણ તે ક્ષતિરહિત નથી હોતાં. આ નિયંત્રણો ચાલુ હોય તે છતાં તમારું બાળક તમે તેમને જોવા દેવા ન ઇચ્છતા હો તે કન્ટેન્ટને ઍક્સેસ કરી શકે છે.
- જ્યારે તમારું બાળક પહેલાં મંજૂર થઈ હોય તેવી ઍપ કે અન્ય કન્ટેન્ટ ફરીથી ડાઉનલોડ કરે, (કન્ટેન્ટ ઉમેરે અથવા વધારાના ડેટાની અથવા પરવાનગીની માંગ કરે તેવા અપડેટ સહિત) ઍપનું અપડેટ ઇન્સ્ટૉલ કરે અથવા તમારી Google Play કૌટુંબિક લાઇબ્રેરીમાંથી શેર થયેલું કન્ટેન્ટ ડાઉનલોડ કરે, ત્યારે માતાપિતાની મંજૂરી જરૂરી હોતી નથી.
- Family Linkની કેટલીક સુવિધાઓની ઉપલબ્ધતા મર્યાદિત હોય છે અને તેના યોગ્ય કાર્યસંચાલન માટે વિશિષ્ટ સેટિંગ અને પરિસ્થિતિઓ જરૂરી હોય છે. ઉદાહરણ તરીકે, ઍપને બ્લૉક કરવાની સુવિધા ત્યારે જ ઉપલબ્ધ થઈ શકે છે જ્યારે તમારા બાળકે સુસંગત Android અથવા ChromeOS ડિવાઇસમાં સાઇન ઇન કરેલું હોય અને તમારા બાળકના ડિવાઇસનું લોકેશન જોવાની સુવિધા ત્યારે જ ઉપલબ્ધ થઈ શકે છે જ્યારે તેમનું Android ડિવાઇસ ચાલુ કરેલું હોય અને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરેલું હોય.
જ્યારે તમારું બાળક 13 વર્ષનું થાય (દેશ અનુસાર વય બદલાઈ શકે છે), ત્યારે તેઓ તમારા નિરીક્ષણ વિના, પોતાના એકાઉન્ટને પોતાની જાતે મેનેજ કરવાનું પસંદ કરી શકે છે.
અન્ય લોકોને માન આપો
અમારી ઘણી સેવાઓ તમારા બાળકને અમારી સેવાઓનો ઉપયોગ કરતા અન્ય લોકો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની સુવિધા આપે છે. અમે દરેકને માટે માનભર્યું વાતાવરણ જાળવવા ઇચ્છીએ છીએ. આનો અર્થ એ થયો કે અમારી સેવાઓનો ઉપયોગ કરતી વખતે તમારા બાળકે વર્તણૂકના પાયાના નિયમો અનુસરવા જરૂરી છે, જેમ કે અન્ય લોકોનો કે પોતાનો દુરુપયોગ ન કરવો કે ઇજા ન પહોંચાડવી (અથવા આવા દુરુપયોગ કે ઇજા અંગે ડરાવવા કે પ્રોત્સાહિત ન કરવા) — ઉદાહરણ તરીકે, અન્ય લોકોને ગેરમાર્ગે દોરીને, તેમની છેતરપિંડી કરીને, તેમને બદનામ કરીને, ધમકાવીને, તેમનું ઉત્પીડન કરીને કે તેમની સાથે ધમકીપૂર્ણ વ્યવહાર કરીને અથવા તો દ્વેષપૂર્ણ કન્ટેન્ટનું સાર્વજનિક રીતે વિતરણ કરીને (જેમ કે લોકોના મૂળ, રેસ, ધર્મ, લિંગ, જાતીય અભિગમ, વગેરેને કારણે તિરસ્કાર કે ભેદભાવ પ્રેરતું કન્ટેન્ટ). દ્વેષપૂર્ણ કન્ટેન્ટનું પ્રકાશન કરવાથી તમારા અને તમારા બાળક પર દીવાની અથવા ફોજદારી જવાબદારી આવી શકે છે.
તમારા બાળકની પ્રાઇવસી
તમારું બાળક પોતાનું Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ મેળવે તે માટે, અમારે આ પ્રાઇવસી નોટિસમાં અને Google પ્રાઇવસી પૉલિસીમાં વર્ણવ્યા મુજબ તમારા બાળકની માહિતી એકત્રિત કરવા, તેનો ઉપયોગ કરવા અથવા તેને જાહેર કરવા તમારી પરવાનગી મેળવવી જરૂરી હોય છે. જ્યારે તમે તમારા બાળકને અમારી સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપો છો, ત્યારે તમે અને તમારું બાળક તમારી માહિતી વિશે અમારો વિશ્વાસ કરો છો. અમે સમજીએ છીએ કે આ એક મોટી જવાબદારી છે. અમે તમારી માહિતીનું રક્ષણ કરવા માટે સખત મહેનત કરીએ છીએ અને તમારા નિયંત્રણમાં મૂકીએ છીએ. તમે વેબ અને ઍપ પ્રવૃત્તિ અને YouTube ઇતિહાસ જેવી બાબતો માટે તમારું બાળક તેમની પ્રવૃત્તિઓના નિયંત્રણોને મેનેજ કરી શકે કે નહીં તે પસંદ કરી શકો છો.
આ 13 વર્ષ (અથવા તમારા દેશમાં લાગુ હોય તે ઉંમર)થી ઓછી વયના બાળકો માટે Family Link વડે મેનેજ થતાં Google એકાઉન્ટ અને પ્રોફાઇલ માટેની પ્રાઇવસી નોટિસ અને Google પ્રાઇવસી પૉલિસીમાં Googleની પ્રાઇવસી પ્રૅક્ટિસનું વર્ણન છે. તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલ સાથે વિશેષ રૂપે સંબંધિત પ્રાઇવસી પ્રૅક્ટિસ, જેમ કે રુચિ મુજબની જાહેરાત પર મર્યાદાઓના સંદર્ભમાં એ તફાવતો આ પ્રાઇવસી નોટિસમાં જણાવવામાં આવ્યા છે.
આ પ્રાઇવસી નોટિસ તમારું બાળક ઉપયોગમાં લઈ શકે તેવી, કોઈપણ (Google સિવાયની) ત્રીજા પક્ષની ઍપ, ક્રિયાઓ અથવા વેબસાઇટના આચરણ પર લાગુ થતી નથી. તમારે તમારા બાળક માટે ત્રીજા પક્ષની યોગ્યતા માટે તેમના ડેટા એકત્રીકરણ તથા વપરાશ સંબંધી આચરણ સહિત, તેમની ક્રિયાઓ, સાઇટ અને ઍપ માટેની લાગુ થતી શરતો તથા નીતિઓને રિવ્યૂ કરવી જોઈએ.
અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી
એકવાર તમે તમારા બાળક માટે Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ હોવાની પરવાનગી આપો, ત્યાર પછી અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેના સંબંધે સામાન્ય રીતે અમે તમારા પોતાના એકાઉન્ટ સાથે કરીએ છીએ તેવો જ વ્યવહાર તેમના એકાઉન્ટ અથવા પ્રોફાઇલ સાથે કરીશું. ઉદાહરણ તરીકે, અમે આ માહિતી એકત્રિત કરીએ છીએ:
તમે અને તમારું બાળક બનાવો અથવા અમને પ્રદાન કરો તે માહિતી.
એકાઉન્ટ અથવા પ્રોફાઇલ બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે, અમે કદાચ તમારું નામ અને અટક, ઇમેઇલ ઍડ્રેસ અને જન્મતારીખ જેવી વ્યક્તિગત માહિતી પૂછી શકીએ છીએ. તમે અથવા તમારું બાળક આપે તે માહિતી અમે એકત્રિત કરીએ છીએ, જેમ કે તમારી ઑનલાઇન સંપર્ક વિગતો કે જેની અમને સંમતિની વિનંતી કરવા માટે તમારો સંપર્ક કરવાની જરૂર પડે છે. તમારું બાળક તેમના એકાઉન્ટ અથવા પ્રોફાઇલનો ઉપયોગ કરતી વખતે જે માહિતી બનાવે, અપલોડ કરે અથવા અન્ય લોકો પાસેથી પ્રાપ્ત કરતું હોય તે અમે એકત્રિત કરીએ છીએ, જેમકે જ્યારે તમારું બાળક Google Photosમાં કોઈ ફોટો સાચવે અથવા Google Driveમાં કોઈ દસ્તાવેજ બનાવે.
તમારા બાળકના અમારી સેવાઓના ઉપયોગ પરથી અમને મળતી માહિતી.
તમારું બાળક ઉપયોગમાં લે છે તે સેવાઓ અને તમારું બાળક તેને કઈ રીતે ઉપયોગમાં લે છે તે વિશેની અમુક માહિતી અમે ઑટોમૅટિક રીતે એકત્રિત કરીએ છીએ તથા તેને અમે સ્ટોર કરીએ છીએ, જેમ કે તમારું બાળક Google Searchમાં ક્વેરી દાખલ કરે, Google Assistant સાથે વાત કરે અથવા YouTube Kids પર વીડિયો જુએ. આ માહિતીમાં આનો સમાવેશ થાય છે:
- તમારા બાળકની ઍપ, બ્રાઉઝર અને ડિવાઇસ
અમે તમારું બાળક Googleની સેવાઓ ઍક્સેસ કરવા માટે ઉપયોગમાં લે છે તે ઍપ, બ્રાઉઝર અને ડિવાઇસ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેમાં વિશેષ ઓળખકર્તાઓ, બ્રાઉઝરનો પ્રકાર અને સેટિંગ, ડિવાઇસનો પ્રકાર અને સેટિંગ, ઑપરેટિંગ સિસ્ટમ, મોબાઇલ ઑપરેટરના નામ અને ફોન નંબર સહિત મોબાઇલ નેટવર્કની માહિતી અને ઍપ્લિકેશનના વર્ઝન નંબરનો સમાવેશ થાય છે.અમે IP ઍડ્રેસ, ક્રૅશ રિપોર્ટ, સિસ્ટમ પ્રવૃત્તિ અને તારીખ, સમય તથા તમારા બાળકની વિનંતીનું રેફરલ આપનારા URL સહિત, તમારા બાળકની ઍપ, બ્રાઉઝર અને ડિવાઇસની, અમારી સેવાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા વિશેની માહિતી પણ એકત્રિત કરીએ છીએ.ઉદાહરણ તરીકે, જ્યારે તમારા બાળકના ડિવાઇસ પરની Google સેવા અમારા સર્વરનો સંપર્ક કરે, જેમકે જ્યારે તમારું બાળક Play સ્ટોરમાંથી કોઈ ઍપ ઇન્સ્ટૉલ કરે, ત્યારે અમે આ માહિતી એકત્રિત કરીએ છીએ. - તમારા બાળકની પ્રવૃત્તિ
અમે અમારી સેવાઓમાં તમારા બાળકની પ્રવૃત્તિ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેનો ઉપયોગ અમે Google Play પર તેમને પસંદ આવી શકે તેવી ઍપ વિશે સુઝાવ આપવા જેવી બાબતો માટે કરીએ છીએ.તમારું બાળક તેમના પ્રવૃત્તિ નિયંત્રણો મેનેજ કરી શકે કે નહીં તે તમે પસંદ કરી શકો છો.અમે તમારા બાળકની પ્રવૃત્તિની જે માહિતી એકત્રિત કરીએ છીએ તેમાં શોધ શબ્દો, તેઓ જુએ છે તે વીડિયો, જ્યારે તેઓ ઑડિયો સુવિધાઓનો ઉપયોગ કરે ત્યારની વૉઇસ અને ઑડિયો માહિતી, તેઓ જેમની સાથે વાતચીત કરે છે અથવા કન્ટેન્ટ શેર કરે છે તે લોકો અને તેમણે તેમના Google એકાઉન્ટ સાથે સિંક કરેલા Chrome બ્રાઉઝિંગ ઇતિહાસનો સમાવેશ થઈ શકે છે.જો તમારું બાળક કૉલ કરવા અને પ્રાપ્ત કરવા માટે અથવા સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે Google Meet અથવા Duo જેવી અમારી સેવાઓનો ઉપયોગ કરતું હોય, તો અમે ટેલિફોની લૉગની માહિતી એકત્રિત કરી શકીએ છીએ.તમારું બાળક તેમના એકાઉન્ટ કે પ્રોફાઇલમાં સાચવેલી પ્રવૃત્તિ વિશેની માહિતી શોધવા અને મેનેજ કરવા માટે પોતાના Google એકાઉન્ટની મુલાકાત લઈ શકે છે તથા તમે પણ તમારા બાળકના Google એકાઉન્ટમાં સાઇન ઇન કરીને અથવા Family Linkમાં તેમની પ્રોફાઇલ ઍક્સેસ કરીને તેમની પ્રવૃત્તિ વિશેની માહિતીને મેનેજ કરી શકો છો. - તમારા બાળકના સ્થાનની માહિતી
જ્યારે તમારું બાળક અમારી સેવાઓનો ઉપયોગ કરે, ત્યારે અમે તેમના સ્થાન વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ.GPS, IP ઍડ્રેસ, તેમના ડિવાઇસનો સેન્સર ડેટા અને તેમના ડિવાઇસની નજીકમાં હોય એવી વસ્તુઓ વિશેની માહિતી, જેમ કે વાઇ-ફાઇ ઍક્સેસ પૉઇન્ટ, સેલ ટાવર અને જેમાં બ્લૂટૂથ ચાલુ હોય એવા ડિવાઇસનો ઉપયોગ કરીને તમારા બાળકનું સ્થાન નક્કી કરી શકાય છે.અમે એકત્રિત કરીએ છીએ તે સ્થાનના ડેટાના પ્રકારો, અમુક અંશે તમારા સેટિંગ અને તમારા બાળકના ડિવાઇસ પર આધાર રાખે છે. - તમારા બાળકની વૉઇસ અને ઑડિયો માહિતી
અમે તમારા બાળકની વૉઇસ અને ઑડિયો માહિતી એકત્રિત કરી શકીએ છીએ.ઉદાહરણ તરીકે, જો તમારું બાળક ઑડિયો ચાલુ કરવાના આદેશો (દા.ત. "Ok Google" અથવા માઇક્રોફોનના આઇકનને ટચ કરવું)નો ઉપયોગ કરતું હોય, તો જ્યારે વેબ અને ઍપ પ્રવૃત્તિ સેટિંગ ચાલુ કરેલું હોય, ત્યારે આદેશ આપ્યા પછીની, ઉપરાંત તે પહેલાંની થોડી સેકન્ડની વાણી/ઑડિયોનું રેકોર્ડિંગ તમારા બાળકના સાઇન ઇન કરેલા કોઈપણ ડિવાઇસમાંથી તેમના એકાઉન્ટમાં સ્ટોર કરવામાં આવી શકે છે.
અમે કુકી, પિક્સેલ ટૅગ, બ્રાઉઝર વેબ સ્ટોરેજ અથવા ઍપ્લિકેશન ડેટા કૅશ મેમરી, ડેટાબેઝ અને સર્વર લૉગ જેવા સ્થાનિક સ્ટોરેજ સહિતની, તમારા બાળકની માહિતી એકત્રિત અને સંગ્રહ કરવા માટે વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. અમારા માટે આવશ્યક નથી કે તમારું બાળક આ એકાઉન્ટ અથવા પ્રોફાઇલ માટે ઉપલબ્ધ હોય તે Google પ્રોડક્ટ તથા સેવાઓનો ઉપયોગ કરવા માટે વાજબી રૂપે જરૂરી હોય તેના કરતાં વધુ વ્યક્તિગત માહિતી પ્રદાન કરે.
અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ અમે કેવી રીતે કરીએ છીએ
Googleની પ્રાઇવસી પૉલિસી તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ વિશે Google એકત્રિત કરે છે તે ડેટાનો અમે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેના વિશે વધુ વિગતવાર સમજાવે છે. સામાન્ય રીતે, તમારા બાળકની માહિતીનો ઉપયોગ અહીં આપેલા હેતુઓ માટે કરીએ છીએ: અમે અમારી સેવાઓ પ્રદાન કરવા, જાળવવા અને વધુ સારી બનાવવા; નવી સેવાઓ વિકસાવવા; તમારા બાળક માટે અમારી સેવાઓને કસ્ટમાઇઝ કરવા; કાર્યપ્રદર્શન માપવા અને અમારી સેવાઓ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે સમજવા; તમારા બાળક સાથે અમારી સેવાઓ સંબંધિત સીધો સંવાદ કરવા; અને અમારી સેવાઓની સલામતી તથા વિશ્વસનીયતા વધુ સારી બનાવવામાં સહાય કરવા.
આ હેતુઓ માટે તમારા બાળકની માહિતીની પ્રક્રિયા કરવા માટે અમે વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. અમે ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ કે જે તમારા બાળકને કસ્ટમાઇઝ કરેલા શોધ પરિણામો અથવા તેઓ અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરે છે તેને અનુરૂપ અન્ય સુવિધાઓ પ્રદાન કરવા માટે તમારા બાળકના કન્ટેન્ટનું વિશ્લેષણ કરે છે. અને સ્પામ, માલવેર અને ગેરકાયદેસર કન્ટેન્ટ જેવા દુરુપયોગો શોધવામાં અમારી સહાય માટે અમે તમારા કન્ટેન્ટનું વિશ્લેષણ કરીએ છીએ. અમે ડેટામાંની પૅટર્નને ઓળખવા માટે ઍલ્ગોરિધમનો ઉપયોગ પણ કરીએ છીએ. જ્યારે અમને અમારી સિસ્ટમ પર અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતા સ્પામ, માલવેર, ગેરકાનૂની કન્ટેન્ટ અને દુરુપયોગના અન્ય રૂપો જણાય, ત્યારે અમે તેમનું એકાઉન્ટ અથવા પ્રોફાઇલ બંધ કરી શકીએ છીએ અથવા અન્ય યોગ્ય કાર્યવાહી કરી શકીએ છીએ. અમુક પરિસ્થિતિઓમાં, અમે યોગ્ય અધિકારીઓને પણ ઉલ્લંઘનની જાણ કરી શકીએ છીએ.
સુઝાવો, રુચિ મુજબનું કન્ટેન્ટ અને કસ્ટમાઇઝ કરેલા શોધ પરિણામો પ્રદાન કરવા માટે અમે તમારા બાળકની માહિતીનો કદાચ ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, તમારા બાળકના સેટિંગના આધારે, Google Play તમારા બાળકને ગમી શકે તેવી નવી ઍપ સૂચવવા માટે તમારા બાળકે ઇન્સ્ટૉલ કરેલી ઍપ જેવી માહિતીનો ઉપયોગ કરી શકે છે.
વધુમાં, અમે ઉપર જણાવેલા હેતુઓ માટે અમારી સેવાઓમાંથી અને તમારા બાળકના સમગ્ર ડિવાઇસમાંથી અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી ભેગી કરી શકીએ છીએ. તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલના સેટિંગના આધારે, Googleની સેવાઓને બહેતર બનાવવા માટે અન્ય સાઇટ તથા ઍપ પરની તેમની પ્રવૃત્તિને તેમની વ્યક્તિગત માહિતી સાથે સાંકળવામાં આવી શકે છે.
Google તમારા બાળક સમક્ષ વ્યક્તિગત કરેલી જાહેરાતો પ્રસ્તુત નહીં કરે, જેનો અર્થ છે કે જાહેરાતો તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલમાંની માહિતી પર આધારિત નહીં હોય. તેના બદલે, જાહેરાતો માહિતી પર આધારિત હોઈ શકે છે, જેમકે તમારું બાળક જે વેબસાઇટ અથવા ઍપ જોઈ રહ્યું છે તેનું કન્ટેન્ટ, હાલની શોધ ક્વેરી અથવા સામાન્ય સ્થાન (જેમકે શહેર અથવા પડોશ). વેબ બ્રાઉઝ કરતી વખતે અથવા Google સિવાયની ઍપનો ઉપયોગ કરતી વખતે, તમારા બાળકને અન્ય (Google સિવાયની) જાહેરાત પ્રદાતાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી, ત્રીજા પક્ષો દ્વારા રુચિ મુજબ બનાવવામાં આવેલી જાહેરાતો સહિતની, જાહેરાતો જોવા મળી શકે છે.
તમારા બાળકની વ્યક્તિગત માહિતી માટે ઍક્સેસ
જો તમારા બાળકનું કોઈ Google એકાઉન્ટ હોય, તો તમે તમારા બાળકના Google એકાઉન્ટમાં સાઇન ઇન કરીને તેમની માહિતીને ઍક્સેસ, અપડેટ કરી, કાઢી નાખી, નિકાસ કરી શકો છો અને તેની પ્રક્રિયા કરવાનું પ્રતિબંધિત કરી શકો છો. જો તમને તમારા બાળકના એકાઉન્ટનો પાસવર્ડ યાદ ન હોય, તો તમે તેને Family Link ઍપ અથવા વેબ પરના Family Link સેટિંગ મારફત રીસેટ કરી શકો છો. એકવાર સાઇન ઇન કર્યા પછી, તમારા બાળકના પ્રાઇવસી સેટિંગ અને માહિતીને મેનેજ કરવામાં સહાય કરવા માટે, તમે Google પ્રાઇવસી પૉલિસીમાં વર્ણવ્યા મુજબ વિવિધ નિયંત્રણો, જેમ કે Google પ્રવૃત્તિના નિયંત્રણોનો ઉપયોગ કરી શકશો.
જો તમારા બાળકની કોઈ પ્રોફાઇલ હોય, તો તમે Family Link ઍપ અથવા વેબ પર Family Link સેટિંગ મારફત તેમના Google એકાઉન્ટમાં સાઇન ઇન કરીને તમારા બાળકની માહિતીને ઍક્સેસ, અપડેટ કરી, કાઢી નાખી, નિકાસ કરી શકો છો અને તેની પ્રક્રિયા કરવાનું પ્રતિબંધિત કરી શકો છો.
તમારું બાળક "મારી પ્રવૃત્તિ"માં તેમની ભૂતકાળની પ્રવૃત્તિઓ ડિલીટ કરી શકશે અને ડિફૉલ્ટ તરીકે ત્રીજા પક્ષોને ઍપ માટે (ડિવાઇસનું સ્થાન, માઇક્રોફોન અથવા સંપર્કો જેવી બાબતો સહિતની) પરવાનગીઓ આપી શકશે. તમે તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલની માહિતીમાં ફેરફાર કરવા કે તેને બદલવા, ઍપ સંબંધી પ્રવૃત્તિઓ અને ઍપની પરવાનગીઓને રિવ્યૂ કરવા માટે પણ Family Linkનો ઉપયોગ કરી શકો છો અને તમારા બાળકની માહિતીને ઍક્સેસ કરવા માટે ઍપને કે ત્રીજા પક્ષની સેવાઓને અમુક ચોક્કસ પરવાનગીઓ આપવા માટે તમારા બાળકની ક્ષમતાને મેનેજ કરી શકો છો.
જો તમે કોઈપણ સમયે તમારા બાળકની માહિતીનું વધુ એકત્રીકરણ અથવા ઉપયોગ અટકાવવાનું ઇચ્છો, તો તમે Family Link ઍપ અથવા વેબ પર Family Link સેટિંગમાં બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલ પેજ પર જઈને "એકાઉન્ટ ડિલીટ કરો" અથવા "પ્રોફાઇલ ડિલીટ કરો" તમારા બાળકનું Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ ડિલીટ કરી શકો છો. તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલની માહિતી વાજબી સમયગાળામાં કાયમ માટે ડિલીટ કરવામાં આવશે.
અમારો સંપર્ક કરો
જો તમને તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ વિશે કોઈ પ્રશ્ન હોય, તો નિઃસંકોચ અમારો સંપર્ક કરો. અમે સહાય કરવા માટે ઉપલબ્ધ છીએ. તમને Family Link અને તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ વિશેની વધારાની માહિતી અમારા સહાયતા કેન્દ્ર પરથી મળી શકશે. તમે અમને Family Link વિશે અથવા Family Link ઍપમાં રહેલા તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ વિશે પ્રતિસાદ પણ મોકલી શકો છો, જેના માટે મેનૂ ☰ > સહાય અને પ્રતિસાદ > પ્રતિસાદ મોકલો પર ટૅપ કરો અથવા ઇમેઇલ દ્વારા કે નીચેના સરનામે અમારો સંપર્ક કરો.
Google
1600 Amphitheatre Parkway
Mountain View, CA 94043 USA
ફોન: +1 855 696 1131 (USA)
અન્ય દેશો માટે, g.co/FamilyLink/Contactની મુલાકાત લો
Google તમારા બાળકનો ડેટા કેવી રીતે એકત્રિત કરે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે, તે વિશે જો તમને કોઈ પ્રશ્ન હોય, તો તમે Googleનો અને અમારા ડેટા સંરક્ષણ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. જો તમને સ્થાનિક કાયદા હેઠળના તમારા અધિકારો સંબંધિત ચિંતાઓ હોય, તો તમે તમારા સ્થાનિક ડેટા સંરક્ષણ અધિકારીનો સંપર્ક પણ કરી શકો છો.
13 વર્ષથી નાની ઉંમર (અથવા તમારા દેશમાં લાગુ હોય તે ઉંમર)ના બાળકો માટેની Family Link સ્પષ્ટતા જુઓ